માતા દ્વારા થયેલ સંસ્કાર સિંચન

અંબાલાલનો જન્મ વડોદરા (ભારત) પાસેના તરસાળી ગામમાં થયો હતા. એમના માતા ઝવેરબા ખુબ દયાળુ અને પરોપકારી હતા. નીતિમત્તા અને ઊંડી સમજણ ઝવેરબાના સ્વભાવમાં પહેલેથી જ વણાયેલા હતા.

એક દિવસ અંબાલાલ મિત્રો સાથે રમીને ઘરે મોડા પાછા આવ્યા ત્યારે એમના માતા ઝવેરબાએ એમને મોડા આવવાનું કારણ પૂછ્યું. અંબાલાલે જણાવ્યું કે, રમતી વખતે એક છોકરા સાથે ઝઘડો થવાથી એમણે એ છોકરાને માર્યું અને એને લોહી પણ નીકળ્યું.

એમની માતાએ એમને પ્રેમથી સમજાવ્યું કે, "બેટા, જેમ એને લોહી નીકળ્યું છે એમ તને કોઈ મારે અને લોહી નીકળે તો મારે તારી દવા કરવી પડે ને? અત્યારે પેલા છોકરાની માતાને પણ એની દવા કરવી પડતી હશે ને? અત્યારે એ બિચારો કેટલું રડતો હશે. તને સમજાય છે કે અત્યારે એને કેટલું બધું દુ:ખ થતું હશે?”

એમની માતાએ શિખામણ આપી કે, "હવેથી તું માર ખાઈને આવજે પણ કોઈને મારીને ના આવીશ. જો તને વાગશે તો હું તારી દવા કરીશ.”

જો માતા તરફથી આવા ઊંચા સંસ્કાર મળે તો એ બાળકને મહાવીર બનાવે જ ને ? આમ, માતાએ અંબાલાલમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું હતું.

Previous Previous
Nextnext